પ્રેરણાદાયી: પોતાના બેંક ખાતામાં ભૂલથી 2 લાખ આવી જતા ગઢવી યુવક અમદાવાદથી ગોંડલ આપવા દોડી આવ્યો
- Advertisement -
મહેનત વિનાનાં બે લાખ હોય કે બે કરોડ તે મારા હક્કનાં નથી: સાગરદાન ગઢવી
- Advertisement -
આજકાલ રૂપિયા માટે કાળા માથાનો માનવી કંઈ પણ કરી નાખતો હોય છે. તેની વચ્ચે કેટલાક લોકો એવા પણ હોય છે જે પારકા ધનને હાથ પણ નથી લગાડતા. આપણે વાત કરી રહ્યાં છીએ એક એવા યુવકની કે જેના બેંક એકાઉન્ટમાં ભૂલથી ગોંડલના વેપારીના 2 લાખ રૂપિયા આવી જતા અમદાવાદથી ગોંડલ સામે ચાલીને આપવા માટે દોડી આવ્યો હતાં. અમદાવાદ રહેતા સાગરદાન ગઢવી નામના યુવકના બેંક એકાઉન્ટમાં પાંચ દિવસ પહેલા ભુલથી બે લાખ રૂપિયા જમા થયા હતા. બાદમાં રૂપિયા ગોંડલના વેપારીના હોવાની જાણ થતા સાગરદાન અમદાવાદથી રૂપિયા દેવા માટે ગોંડલ પહોંચી ગયા હતા. જયાં મૂળ માલિકને રૂપિયા પરત કર્યા હતા. રૂપિયા પરત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
- Advertisement -
મૂળ ગોંડલના ધરાળા ગામનાં વતની અને અમદાવાદ રહેતા સાગરદાન ગઢવીના બેંક ઓફ બરોડાના બેંક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. મોબાઈલમાં મેસેજ આવતા શરૂઆતમાં તો કોઈ ખોટો મેસેજ હશે તેમ જાણી આ યુવકે તપાસ પણ કરી ન હતી હતી. જોકે બે દિવસ બાદ એટીએમમાં ચેક કરતા પોતાની મૂળ રકમ કરતાં બે લાખ રૂપિયા વધારે હતા. જેથી સાગરદાને જે એકાઉન્ટમાંથી રૂપિયા આવ્યા હતા તેનો સંપર્ક કરવા પ્રયાસો શરૂ કર્યા હતા. તેની વચ્ચે અચાનક 4 દિવસ બાદ ગોંડલથી મૂળ માલિકનો ફોન આવ્યો હતો અને ભૂલથી પોતાના રૂપિયા આવી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી સાગર ગઢવીએ રૂપિયા ખરેખર ગોંડલના જ છે કે નહીં તે અંગે તપાસ કરી હતી. ત્યાર બાદ ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ રાજભા જાડેજા સાથે વાત કરતા તેણે 2 લાખની રકમ પોતાના મિત્રની હોવાનું જણાવ્યું હતું. જેથી ખ્યાલ આવી ગયો હતો કે ખરેખર રૂપિયાના મૂળ માલિક ગોંડલ જ છે. આ જાણી સાગરદાન અમદાવાદથી અને વતનમાં રહેતાં પોતાના કાકા હેમુદાન ગઢવી સાથે ગોંડલ દોડી આવ્યા હતા અને બે લાખ જેવી મોટી રકમ મૂળ માલિકને સુપરત કરી હતી. રૂપિયા પરત મળતાં થોડીવાર તો લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ મૂળ માલિક વેપારી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ રાજભા જાડેજાએ આ યુવકનું સન્માન પણ કર્યું હતું.
- Advertisement -