- Advertisement -
આજે વિશ્વકર્મા જયંતિ છે. વિશ્વનું નિર્માણ કરનારા દેવ શિલ્પી વિશ્વકર્માની પૂજાનો આજે દિવસ છે. તેમને શિલ્પકળા અને યંત્રોના દેવતા તરીકે માનવામાં આવે છે. તેમના વિશે એવું કહેવાય છે કે, તેઓ દેવતાઓ માટે મહેલ, અસ્ત્રશસ્ત્ર અને આભૂષણ બનાવવાનું કામ કરે છે, તેથી તેઓ દેવતાઓનાં પણ આદરણીય છે.
ઇન્દ્રના સૌથી શક્તિશાળી અસ્ત્ર વજ્રનું નિર્માણ પણ વિશ્વકર્માએ કર્યું છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિની રચનામાં બ્રહ્માની મદદથી સંસારની રૂપરેખાનો નકશો પણ તૈયાર કર્યો હતો. એવી પણ માન્યતા છે કે, વિશ્વકર્માએ ઓરિસ્સામાં સ્થિત ભગવાન જગન્નાથ સહિત, બલભદ્ર તથા સુભદ્રાની મૂર્તિનું નિર્માણ પણ કર્યું હતું.
- Advertisement -
એવી એક વાયકા છે કે, ભગવાન શિવે પાર્વતી સાથે વિવાહ કર્યા બાદ વિશ્વકર્માએ સોનાની લંકાનું નિર્માણ કરાવ્યું હતું. ભગવાન શિવે રાવણને પંડિત તરીકે ગૃહપૂજન માટે બોલાવ્યો હતો અને રાવણે દક્ષિણામાં સોનાની લંકા જ માગી લીધી હતી.
- Advertisement -
રામાયણ વીશે પણ વાયકા છે કે, જ્યારે હનુમાનજીએ સીતાની શોધ દરમિયાન લંકાને સળગાવી ત્યારે રાવણે વિશ્વકર્માને બોલાવીને તેમની પાસે સોનાની લંકાનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી કોઈ ને કોઈ મશીનરીનો ઉપયોગ જરૂર કરે છે, જેમ કે કમ્પ્યૂટર, બાઇક, કાર, પાણીની મોટર, વીજળનાં ઉપકરણથી લઈ મોબાઇલ. ભગવાન વિશ્વકર્મા આ તમામના દેવતા માનવામાં આવે છે.
મશીનરીની વધતી જરૂરિયાતોને પગલે વર્તમાન યુગમાં વિશ્વકર્મા પૂજાનું મહત્ત્વ વધી રહ્યું છે. આ જ કારણ છે કે, પહેલાં માત્ર શિલ્પકાર જ તેમની પૂજા કરતા હતા, પરંતુ હવે ઘર ઘરમાં તેમની પૂજા થવા લાગી છે.
એવી માન્યતા છે કે, ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી મશીનરી લાંબો સમય સુધી સાથ નિભાવે છે અને તે ક્યારેય દગો આપતી નથી. વિશ્વકર્માની પૂજાનો એક સારો પ્રકાર એ છે કે, તમે જે મશીનરીનો ઉપયોગ કરો છો, તેની સાફસફાઈ કરો.
તેમની દેખરેખમાં જે પણ ખૂટતું હોય તેની તપાસ કરી તેને ઠીક કરો અને પોતાની જાતને વચન આપો કે પોતે પોતાની મશીનરીનું સંપૂર્ણ ધ્યાન રાખશો. વિશ્વકર્માની પૂજાનો અર્થ તેમની તસવીર પર ફૂલ અને માળા અર્પણ કરવા પૂરતો નથી.
- Advertisement -