ઇન્ડોનેશિયાની લાયન એરલાઇન્સનું વિમાન જકાર્તા પાસે સમુદ્રમાં ક્રેશ થતા ૧૮૯ મુસાફરોના મોત.
- Advertisement -
ઇન્ડોનેશિયાની લાયન એર લાઇન્સનું પ્લેન ધ બોઇંગ ૭૩૭ રાજધાની જકાર્તામાં આવેલા સમુદ્રમાં ક્રેશ થયું હતું. ફ્લાઇટ જેટી ૬૦માં ૧૮૯ પેસેંજર સવાર હતા, જે દરેકનું મોત નિપજ્યું છે અને હાલ સમુદ્રમાંથી મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને આટલા કલાકો વિત્યા બાદ પણ અનેક મૃતદેહો હજુસુધી મળી શક્યા નથી. પ્લેનમાં બાળકો પણ સવાર હતા, જેના નાના બુટ મળી આવ્યા છે. જ્યારે અનેક લોકોનો સામાન સમુદ્રમાં તરતો બહાર આવ્યો છે. આ ઘટના બાદ ઇન્ડોનેશિયામાં તેમજ વિશ્વભરમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ૧૮૯માંથી કોઇ પણ બચ્યુ ન હોવાની શક્યતાઓ ઇન્ડોનેશિયાના અધિકારીઓએ વ્યક્ત કરી છે. ઓગસ્ટ માસથી આ પ્લેનને ઉડાવવામાં આવતું હતું,જોકે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું. બોઇંગ ૭૩૭ સાથે આ પ્રથમ સૌથી મોટી ઘટના માનવામાં આવે છે.
- Advertisement -
સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના ઓપરેશનલ ડાયરેક્ટર બામ્બંગ સુર્યોએ જણાવ્યું હતું કે હજુસુધી અમને આ અકસ્માત કેમ સર્જાયો તેનું કોઇ ચોક્કસ કારણ નથી મળી શક્યું પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જે પણ મૃતદેહો અને અંગો મળી આવ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે કોઇ પણ બચ્યું નહીં હોય. પરિવારજનોને હોસ્પિટલ જઇને મૃતદેહોની ઓળખ કરવા કહેવામાં આવ્યું છે. હાલ ભારે આક્રાંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે ૬.૨૦ કલાકે જકાર્તામાંથી ફ્લાઇટ જેટી ૬૧૦એ ઉડાન ભરી હતી. અને એક કલાક બાદ તે ઇન્ડોનેશિયાના ટાપુ પેંગકાલ પિનાંગના દિપાતી આમીર એરપોર્ટ પર ઉતરવાનું હતું, જોકે ઉડાન ભરી તેના માત્ર ૧૩ મિનિટ બાદ વિમાન જકાર્તા નજીકના સમુદ્રમાં જઇ ક્રેશ થયું હતું.
- Advertisement -
બીજી તરફ લાયન એરલાઇન્સના એર ચીફ એક્ઝિક્યુટિવ ઇડવર્ડ સીરેઇટે જણાવ્યું હતું કે કોઇ વિમાનમાં ટેકનીકલ ખામીને કારણે આ ઘટના બની છે. જોકે આ ખામી શું છે તેની અમને પણ કોઇ જાણકારી નથી મળી. સમુદ્રમાં બહાર તરતા જે સામાન અને અન્ય કાટમાળ બહાર આવ્યો હતો તેને હાલ કાઢી લેવામાં આવ્યો છે જેની તસવીરો પણ રેસ્ક્યુ એજન્સીએ શેર કરી હતી. હાલ જકાર્તા એરપોર્ટ પાસે એક ક્રાઇસિસ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં દુર્ઘટનાગ્રસ્ત લોકોના પરિવારજનો આક્રાંદ કરી રહ્યા છે અને પોતાના સ્વજનનો મૃતદેહ ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિમાનમાં જે પણ લોકો સવાર હતા તેમાં ઇન્ડોનેશિયાના નાણા મંત્રાલયના ૨૦ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. બે નવજાત અને એક બાળક પણ આ વિમાનમાં સવાર હતા જેમનું મોત નિપજ્યું હતું.
- Advertisement -