fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

રામનું સ્મરણ કરવંુ તે સત્ય, ગાવુ તે પ્રેમ અને શ્રવણ તે કરૂણા છે : પૂ.મોરારિબાપુ

664

- Advertisement -

પૂજ્ય મોરારી બાપુની પાવની જન્મભૂમિ – તલગાજરડાના પુનિત પ્રાંગણમાં પૂજ્ય બાપુના શ્રીમુખે ગવાઈ રહેલ ‘માનસ-ત્રિભુવન’ રામકથાના સમાપન દિવસે ‘માનસ-ત્રિભુવન’ કથામાં પૂ.બાપુએ કથાનો મહિમા વર્ણવતા સીતા સ્વયંવરની કથા રસમય રીતે કહેલ. મારા દેશની બહેનો-દીકરીઓએ રામચરિત માનસની દુર્ગાસ્તુતિનો પાઠ કરવો જોઈએ. શિષ્ય ફુલ જ આપી શકે, ફળ તો ગુરૂ જ આપી શકે. વ્યવસ્થા સારી હોય ત્યારે પ્રમાણપત્રની જરૂર નથી, પ્રેમપત્રની જરૂર છે તેમ જણાવી પૂ.બાપુએ કથાનું મુસ્કુરાહટ સાથે સમાપન કરવું છે તેમ જણાવી માનસમાં શીલ છે કે મૂઢતા છે તે જોવાની દ્રષ્ટી પરથી નક્કી થાય છે. ક્યારેક ક્યારેક સમાજમાં જ્ઞાની માણસ પણ વિચલિત થઈ જાય છે. વીર કરતા રઘુવીરનો દરજ્જો ઊંચો છે. જેમનામાં સૂક્ષ્મરૂપે ગુરૂ સાથે હશે તેના અભિમાન જ તૂટશે. સત્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારવું જોઈએ. ધનુષ ભંગમાં રામમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, શ્રીરામ, શ્રીકૃષ્ણ, પરશુરામ, બુધ્ધ, કલ્કિ દસેદસ અવતાર જોવા મળ્યા છે. પંચવટી છોડ્યા પછી રામ જટાયું, શબરી, દેવર્ષિ નારદ, હનુમાનજી અને સુગ્રીવ પાંચ અદ્દભૂત પાત્રતા ધરાવતા પાત્રોને મળ્યા છે. પરમાત્માના પાંચ વિગ્રહો (રૂપ) છે. એક પરરૂપ, બીજું વ્યૂહરૂપ, ત્રીજું વિભવરૂપ, ચોથું અરચારૂપ અને પાંચમું અંતર્યામીરૂપ છે. મૂઢ માણસોનો સમય કલહ-કંકાસમાં જાય છે. સજ્જન માણસોનો સમય કાવ્ય-વિનોદમાં જાય છે.

રાજાના માથેથી મુગટ અને હાથમાંથી હથિયાર પડી જાય તો તે અપશુકન છે. બ્રાહ્મણના હાથમાંથી ગ્રંથ પડી જાય તો તે અપશુકન છે. વૈશ્યના હાથમાંથી કલમ છીનવાય જાય તો તે યોગ્ય નથી. ભજનાનંદની માળા ખોવાય જાય તો તે ઠીક નથી. સેવકની સેવા ઝૂંટવાય જાય તો તે અપરાધ છે. ભય, પાપ, સંશય, પૂર્વગ્રહ, લઘુતા, વિશ્વાસ, જડ-ચેતન અને અહકાર- આ આઠ ગ્રંથીને ત્રિભુવનીય વ્યક્તિએ તોડી નાખવી જોઈએ. આપણી લઘુતાને ઈશ્વર સિવાય કોઈ તોડી જ ન શકે. રામચરિત માનસ બધાનું શુધ્ધિકરણ જ કરે છે.

- Advertisement -

પૂ.બાપુએ કહ્યું હતું કે, કળિયુગમાં તુલસી મને અને તમને એક જ સંદેશ આપે છે કે ઘરમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે રામને સમરી લ્યો, રામને ગાઈ લ્યો અને રામનામની ચર્ચાને શ્રવણ કરી લ્યો. મારું તલગાજરડું રામનું સ્મરણ કરવું તેને સત્ય કહે છે, રામને ગાવો તેને પ્રેમ કહે છે અને રામનામને શ્રવણ કરવું તેને કરૂણા કહે છે. કરૂણા વગર કથા શ્રવણ જ ન કરી શકાય. કથા મળે તેને સત્સંગ મળે છે એ પુણ્યનું ફળ છે. પુણ્યનું સાચામાં સાચું ફળ કરૂણા છે. ભગવાન, પરમેશ્વર, પરમાત્મા, પરમતત્વ ઘણા હશે, પણ રામ સમાન કોઈ નથી.આપણે કોઈને પૂરેપૂરા આધિન થઈ જઈએ છીએ ત્યારે આધિન કરનારે જ વિચારવાનું હોય છે. કથાના ક્રમને આગળ લઈ જતા આજે પૂ.બાપુએ જનકપુર દર્શનથી લઈને સીતા સ્વયંવર, રામ વિવાહની કથાની સાથે બાલકાંડની, વનવાસની કથાની સાથે અયોધ્યાકાંડની, ચિત્રકૂટથી લઈને અરણ્યકાંડની, હનુમાનજી મિલન-સુગ્રીવ મૈત્રીથી લઈને કિષ્કિંધાકાંડની, સીતા મિલન, લંકા દહનથી લઈને સુંદરકાંડની, રામેશ્વર સ્થાપનાથી લઈને રાવણ નિર્વાણ સુધીની લંકાકાંડની અને રામ રાજ્યાભિષેકથી લઈને ઉત્તરકાંડની કથાને વર્ણવેલ. અંતમાં બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી ત્રિભુવનમાં ન મળે તેવો આનંદ તલગાજરડામાં લીધો છે તેમ જણાવી ‘માનસ-ત્રિભુવન’ કથાને વિરામ આપેલ.

- Advertisement -

મહુવા નગર સેવા સદન, મહુવા ચેમ્બર ઓફ કોમર્સ, મહુવા માર્કેટીંગ યાર્ડ, ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ, એન.એન.મહેતા મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટ , મહુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યજમાન હરીભાઇ નકુમનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માનીત કરાયા હતા.

નવ દિવસિય રામકથાનંુ શ્રવણ કરવા મહુવા-રાજુલા પથંકના ગામેગામથી ભાવિકો ઉમટી પડ્યા હતા, કથાનંુ રસપાન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા.

આધ્યાત્મિક દ્રષ્ટિએ દેશને નં-1 બનાવો : કાન્તિ ભટ્ટ

મારા મહુવાના વ્હાલા પ્રેમીજનો મોરારી બાપુ બનવું હોય, કાંતિ ભટ્ટ બનવું હોય તો મહુવામાં જન્મ લેવો પડે. હું વક્તા નથી, લેખક છું. સાત વર્ષનો હતો ત્યારથી લખું છું. દિવ્ય ભાસ્કરમાંથી છૂટો થયો ત્યારે ફિકર થતી હતી કે હવે શું થશે ? પણ મેં ફિકરને મારા રામને સોંપી દીધી છે. રામ આદર્શ પુત્ર હતા. એક આદર્શ પતિ હતા. સૌને પ્રેમ કરનારા આદર્શ કિંગ હતા. ચાલો આપણે સૌએ પ્રતિજ્ઞા કરવાની છે. આપણે આદર્શ પતિ, આદર્શ પત્ની બનીશું. સૌએ છોટેમોરારી બનવાનું છે. સૌએ છોટે રામ બનવાનું છે. હિન્દુસ્તાનને માત્ર ધનની દ્રષ્ટીએ નહીં, પણ આધ્યાત્મિકની દ્રષ્ટીએ પ્રથમ નંબરનો દેશ બનાવવાનો છે. બહેનોને વિનંતિ છે કે તેઓ ઉત્તમ ગૃહિણી બને. બહેનો બહારનું કામ જરૂર કરે પણ પોતાની ઓરિજનલ ફરજ તો બજાવે જ તે જરૂરી છે.

કથાએ ઘણંુ શિખવ્યંુ : યજમાન પરિવાર

કથાના યજમાન હરિભાઈ નકુમના પુત્ર દર્શનભાઈ નકુમે સમાપન ભાવ વ્યક્ત કરતા જણાવેલ કે આ ત્રિભુવનીય કથાએ મને અને મારા પરિવારને ઘણું બધું શીખવ્યું છે. તલગાજરડાને પણ ઘણું શીખવ્યું છે. મારા માતા શારદાબેનનો સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે. આ સંકલ્પનો જશ મારા પરિવાર, પૂ.બાપુને અને આપ સૌને જાય છે. મારા માતાનો આજે મનોરથ પૂરો થશે. કથામાં મદદરૂપ થઈ જવાબદારી નિભાવનાર સૌ સ્વયંસેવકોના અમે ઋણી છીએ. આપ સૌના આ પ્રેમથી આ યજ્ઞ આજે સંપૂર્ણ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે અમારો પરિવાર આપ સૌનો ઋણી છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!